Tuesday, May 17, 2016

જાગૃતિ




 

રાત પડી કે શહેરની ગલીગલીમાં પોસ્ટર.

એવું જબ્બર જોશ કે જાણે વીતી ગઇ છે રાત.

***

આશા હતી કે શહેરમાં કાલે કશું થશે.
ઉંઘ્યા હતા એ રીત કે જાગ્યા કર્યું હતું.

***

મણમણનાં તાળાં હતાં એકેએક હોઠ પર,
દિવાલ તો દિવાલ, સડક બોલતી હતી.

***

શહેર ચૂપચાપ જાણે કે શોક છે.
હક્કની વિસારી વાત , લોક કામમાં ડૂબ્યાં.

***

રસ્તે જતાં એ શહેરમાં જોયું,
આંખોમાં આંખ પ્રોવી, લોક બોલતું હતું.

નેતા


 



નેતા બનીને એક અમે રેલી    કાઢી.
હમેશની જેમ અમે આગળ અને રેલી  પાછળ.

***

અચાનક રેલી  વિખરાઈ , પોલીસે બંદૂક તાણી.
સમજી ગયા અમે, હવે રેલી  આગળ અને અમે પાછળ.

***

લાગ જોઇને અમે ત્યાંથી રફૂચક્કર.
જોઇને બોલ્યો રસ્તે એક છક્કો, ગાંડૂ!

બે મજૂરોની વાતચીત


 

 

મજૂરી એ આપણી મજ્બૂરી છે
નહીં તો હાથ ના ભાગી નાખત કંત્રાટીના.
***

સવાર કાળી અને સાંજ પણ થાકી પાકી.
બોલ, આપણાં જીવતરનાં કારણ શાં છે?
મારા સીધા સવાલ, તું  આટલી  પરેશાન ?
***

એક શાન્ત, સ્વચ્છ સાંજે એના ચહેરા પરથી ઝૂલ્ફો  હટાવીને
એમ પૂછી લીધું:
પંખીટોળું ક્યાં જાય છે?

***

છાતી કાઢીને એણે સ્પષ્ટ કહયું,
પંખી વિદ્રોહ કરીને આવ્યાં છે
ને વિદ્રોહ કરવા જઇ રહ્યાં છે.

***
 
દોસ્ત, આપણે પંખી બની શકીએ?

ક્રાંતિ


 

અંધારે આંધળો લાચાર સૂરજ
હજારો લંગડા ઘોડા દોડ્યા દડ્બડ, ખેંચે તૂટી ગયેલો રથ.
પાગલખાનામાંથી પાગલ નીકળી આવ્યા યુનિવર્સીટીના રસ્તે
ને સૂમસામ મારા મનમાં પણ જાગી ઉઠે જેહાદ.
જોરજોરથી બેજુબાન કરે છે ભાષણ ચોકમહીં.
માનાં સુક્કાં થાનેલાંને દૂધિયાદાંતે વળગી,
પીડા ને બે આંસુ લઇને દોડું સંસદરસ્તે.
થન થન નાચે કોઢી મોર , ત્યાં મોરર્પિચ્છ ભડભડ બળતાં.
ભીખારીનું પેટ ભરાતું, ઓડ્કાર એ ખાતો.

ગઝલ


 
  

લડાઈના મેદાન આગળ આવીને ઊભા
ને બંદૂક બગડી ગઈ.
આંગળી લોખંડી ટ્રીગર પર
આગળ ઓર્ડર માટે બેચેન.

 ***

પ્રેમથી કહું છું, સમજવા કોશીશ કર.
મારા મનમાં આ વેળા જંગ વિશે જ વિચાર આવે છે.

***
તું તારી લાગણીભરી ગઝલ ન સંભળાવ
નહીં તો તારા પેટમાં સંગીન આરપાર કરી દઇશ.

***

સંજોગો સમજે વિચારે એવો યાર જોઇએ.
કોઇ ગીત છેડીને દિલના જખમ ના ખોતરીશ.

પલાયન


 

જતાંજતાં એક્વાર પાછું વળીને
જોયું હોત તો.
વસ્તી સળગી રહી હતી અને આપણા હાથ બાંધેલા.
 ***
પંખી માળાની સાથે બચ્ચાં પણ છોડી જાય છે
જ્યારે કોઇ સાપ એ ઝાડ પર ચડી જાય છે.
***
પણ આજે કે કાલે    બધું બદલવાનું જ હતું,
ગામમાં આક્રોશનો  ભડકો થવાનો  જ હતો.
***
માણસે આવા સમયે પલાયન  કદી કરવું નહીં.
વસ્તી સળગી રહી હોય ત્યારે ભાગવું નહીં.

યુદ્ધ



 

કેવી તારી લડાઈ, કેવો તારો વિદ્રોહ?
આજે હું  ભરી બંદૂકે  
સાવધ.
 ***
 
કેવા એ લોકો, જે હાથ પર હાથ ધરી બેઠા છે ઘેર
આજ મારા સઘળાં શસ્ત્ર
***

હું સાવધ, મારા લોકો સાવધ.

***
 
તું હજી બેઠો છે?
યુદ્ધની શરૂઆત થઇ  ચૂકી છે

કાગારોળ



 

 

એમણે આપણી ઝૂંપડીઓ તોડી વારંવાર,
આપણે બાંધી ફરીફરી.

□□


તોડતા રહ્યા,
આપણે બાંધતા રહ્યા.

 
□□

 
ફક્ત એક વાર
આપણે એમની ઈમારત જમીનદોસ્ત કરી દીધી.

 
□□


એમાં આટલી કાગારોળ કેમ?

સૌ સારાં વાનાં થશે



 


તમારા સારા દિવસો આવી રહ્યા છે.
એન્ટીકરપ્શને રંગે હાથ પકડેલા એ કેસ રદ થશે.
ભ્રષ્ટાચારના તમામ આરોપ નિરાધાર સાબિત થશે.
હરામની કમાઈને આંચ નહીં આવે ,  
જમીનના ભાવ સડસડાટ ઊંચકાશે.
રખડેલ છોકરીનું લગ્ન થશે.
નવી ચારચક્રી ગાડી તમારે આંગણે ઉભી રહેશે.
તમારાં તથાકથિત દુઃખ
શહેરના સીમાડે દૂર !

એમની નિસ્તેજ આંખમાં તેજ
ને કૃશ કાયામાં જોમ આવ્યાં
 
***
 
અર્ધાંગિનીનાં હાથમાં  અખંડ સૌભાગ્ય રેખા
હેલોજન ફુગ્ગા સરખી હળવાશ
હાથમાં નોટોની થોકડી.
 
***

જતાંજતાં છોકરાને કહ્યું
તને ગર્ભશ્રીમંત છોકરી મળશે
એણે પણ પીળી નોટ મારા ખિસ્સામાં સરકાવી.
 
***

કેવી મજા!
ભણ્યા પણ ગણ્યા નહીં એવાને
ઈન્ટલેકચ્યૂઅલ ભામટા મૂરખ બનાવવાની !

દુનિયા ગોળ છે



 

 

ખોટી પ્રતિષ્ઠા
પાટીલ બજારે જવા બેઠા’તા એકા પર,
ને વાંસે દોડતા દાદા.
જગા છે તોય પાટીલ એકા પર બેસવા ન દે
દલિતોની આવી જ પરંપરા
માનતા પાટીલ ને દાદા.

***

બાબાસાહેબ શું આવ્યા ને સવાલોની ત્સુનામી શરૂ થઇ ગઈ.

***

મોટા પાટીલ બેઠા’તા એકા ઉપર
બાપાને કહ્યું , “દોડ!”
“એકામાં જગા છે તો હું દોડું શું કામ?”
એવો સવાલ ઝીંકતા બોગસ પરંપરા પર.
બાબા કહે  છે, “ખાડામાં જાય આવી હલકટ પરંપરા.”
પાટીલ છેવટે મનેકમને ઠેકાણે આવે છે.
તકલાદી ધર્મની હત્યા.
બાબા કહે છે ,”ચૂલામાં જાય  માણસ માણસ વચ્ચે ભેદભાવ કરતો તમારો ધર્મબર્મ !.”
***
 
સર્વ શહેરમાં આવ્યું કુટુંબ.
ને સઘળું સંપૂર્ણ બદલાઈ ગયું 
અહીં હું ઓફિસમાં ઘંટડી મારું છું ,
પાટીલ પાણી લાવે છે.”
શું વાત કરું?
ભયા, દુનિયા ગોળ છે !

પ્રગતિશીલ


 

 

 

અમે બધા મોટા સાહેબની ઓફિસમાં ગયા
મન ખોલીને 
માર્ક્સ, લેનિન...માઓ...સ્ટેલિન...ચાર્વાક
બધાની બહુ વિશદ ચર્ચા કરી,
પછી
સાહેબ ઓફિસરની મૂતરડીમાં ગયા
ને અમે કામદારોની.

અગમ્ય


 

 

ઈસુના માર્ગે નીકળેલો હું

પોપના મારગે ક્યારે ચડી ગયો

કેવી રીતે ચડી ગયો

એની સરત જ ન રહી!

નાબૂદ



 

હે આકાશમાંના પરમેશ્વર ,
હિટલરે જ્યારે લાખો યહૂદીઓની બાદબાકી કરી
ત્યારે તારી રહેમદિલી ક્યાં હતી?

 ***

ફરિયાદી હું આકાશ પાસે
ને ઉત્તર માટે ખૂબ રાહ જોઉં છું ...

તારા આસ્તીત્વનો સાદો પ્રશ્ન વિચારું છું .
છેવટે તને જ નાબૂદ કરી દઉં છું.

અસદુલ્લાખાન ઉર્ફે ગાલિબ


 

 

 
 
 
 
 
 
 
સાંભળ ગાલિબ,

જ્યારથી હું તારી ગઝલનો અભ્યાસ  કરતો  થયો છું

શહેરની સુંદરીઓ પાછી વળી વળીને

મને જુએ છે.

 

***

મારી પ્રિયતમા પાસેથી

કે મદિરાલયથી પાછો ફરું છું

તારી  ગઝલ  મારા હોઠ પર રમતી  રહે છે,  

ગાલિબ,

આ શું છે ?

 

***

આજકાલ  મદિરા કેટલી નકામી છે

પેટ ભરીને પીધો છે તોય

ચડતી  નથી.

તારી સુરાહીમાં ગાલિબ

મારે માટે છે એક બૂંદ?

 

કેવી વાત ,ગાલિબ

જ્યારથી મેં સમજાવી છે તારી ગઝલ

મારી પ્રિયતમા

મારી દાઢી સામે તાકી  રહે છે

***

તારી શાયરીમાં એવું તે શું છે ,ગાલિબ

કે મારી પ્રિયતમા

મારી કવિતા સંભાળવાના મૂડમાં નથી.

***

મારી પ્રિયતમા આજકાલ

પૂછ્યા કરે છે મને તારી જિંદગી વિષે

જાણે હું કંઈ નથી.

 

***

તે દિવસે તાજમહાલ જોવા ગયા ત્યારે

તું મને વારેવારે યાદ આવતો હતો.

પહેલાં અહી કોઈ મદિરાલય હતું  ?

 

***

કહે, ગાલિબ, એ શાહજહાંની ભૂલ હતી

તાજ જેવા સુંદર સ્થાપત્ય પાસે

મન હમેશાં ગમગીન   રહે છે. 

***

પ્રિયતમાના વિરહમાં  

આપણે પણ બાંધી દીધાકેટ કેટલા મહેલો

અજોડ મહેલો, ગાલિબ,

જે બન્યા ન કદી દુનિયાની અજાયબીઓ.

તને એની નવાઈ નથી લાગતી?

**

જે હાથોએ બાંધ્યો તાજ

હજી લોહી ઝરતા

હું જોઉં છું સપનામાં 

રડતાં રડતાં.

ગાલિબ, રચી છે કોઈ ગઝલ તેં

સામાજિક અસમાનતા વિષે? 

 

***

કયો નસીબદાર હતો

જેણે તારું સરનામું માગ્યું 

તારી પાસેથી જ,

હું એને ‘આદાબ અર્જ’  કરવા માગું છું..

 

***

રાજમાર્ગ પર ચાલતા હોઈએ તો પણ 

અસંતોષ

અસમાનતાના વિચારો

મગજમાં આવ્યા   કરે છે, ગાલિબ.

***

તું નિશ્ચિંત,  ગઝલ ગણગણતાં

રસ્તો ખૂંદતો, પગપાળા.

ગાલિબ, મને બતાવીશ એ રસ્તો?

 

***

તારા શબ્દો , તું જાણે છે  

પીડે છે અમારા મનને ,ગાલિબ

ને હવે તું પ્રસ્તુત કરે છે સ્વયંને

બેગમ અખ્તરના લોહીઝાણ સ્વરમાં

ગાલિબ, તારે તે અમને

જીવવા દેવા છે કે નહીં?